MatterMngt
Welcome, Guest (Please Register/Login)
Login Register Contact Us
Welcome You, SIPAI SAMAJ TRUST, GUJARAT. સિપાઈ સમાજ ટ્રસ્ટ - ગુજરાત તહેદિલ સે ટ્રસ્ટ કી વેબસાઈટ સેવામેં આપકા ઇસ્તકબાલ કરતા હૈ...

સિપાઇ સમાજ વિશે

ENGLISH

     જુના કાઠીયાવાડના બસો બાવીસ (૨૨૨) દેશી રજવાડાઓમાં લશ્કર અને પોલીસદળમાં સિપાઈ, ચોકીદાર, પસાયતા અને પટ્ટાવાળા તરીકે તેમજ ધોડાગાડી ચલાવનાર, બીડી વાળનાર, ચા - પાણી, પાનના ગલ્લા, સાયકલ રીપેરીગ કરનાર અને છુટક મજુરી કરનાર મુસલમાનોનો એક વર્ગ (જાતિ, જ્ઞાતિ કે જમાત) “સિપાઈતરીકે ઓળખાય છે. મુસ્લિમ સિપાઈ ઈમાનદારી, વફાદારી માટે જાણીતા છે. સિપાઈની બહાદુરી અને વફાદારીની વાતો કાઠીયાવાડના લોક સાહિત્યમાં નોંધાયેલ છે. સિપાઈ જાતિની જમાતોમાં સિપાઈઓની ૧૩૦ થી વધુ માન્ય અટકો, સરનેમ, ફેમેલી નેઈમ્સ છે. સૌરાષ્ટ્રમાં સિપાઈ જમાતો નાના ગામો કસ્બામાં પણ હોય છે. સૈારાષ્ટ્રના શહેરોમાં મહોલ્લા પ્રમાણે સિપાઈ જમાતો હોય છે. સૈારાષ્ટ્રના રાજવંશો સાથે સંકળાયેલા હોય છે.

 

    મોટે ભાગે ગામડામાં સિપાઈઓ વંશપરંપરાગત વ્યવસાય (પસાયતા) કરતા આવ્યા છે. (પસાયતા એટલે રાજાશાહી વખતમાં દરેક નાના મોટા ગામ મુજબ ગામ દીઠ એક કે બે સિપાહીઓને ચોકીદારી માટે ગામો આપતા હતા. અને સિપાહીઓ ત્યાં રહી આખા ગામની રખેવાડી કરતા હતા. વ્યવસાય પસાયતા તરીકે ઓળખાય છે.)

 

   સૈારાષ્ટ્રમાં સિપાઈ સિપાહી”, સિપાહ, સિપોય (sepoy) તરીકે જુદા જુદા પણ સમાનાર્થી શબ્દોથી, નામોથી ઓળખાય છે. ક્ષત્રિય, રાજપુત, કાઠી દરબારો, ગિરાસદારો નવાબો નીચે સિપાહીઓ નાની નોકરી કરતા.

 

    આઝાદી સાથે ૧૯૪૭ માં કાઠીયાવાડના દેશી રજવાડાઓનું વિલીનકરણ થયું. તા.૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮માં સૈારાષ્ટ્ર રાજયની રચના થઈ. જેનું યુનાઈટેડ સ્ટેટ ઓફ કાઠીયાવાડ તરીકે ઓળખાય છે. આઝાદી બાદ પરિક્ષીતલાલ મજમુદારના અધ્યક્ષપદે નિમાયેલ સમિતિએ આપેલ અહેવાલમાં અન્ય પછાત વર્ગો (ઓબીસી) ની યાદી તૈયાર કરી જેમાં સિપાઈ (મુસ્લિમ) નો પછાત વર્ગ તરીકે ૧૯૫૨માં સમાવેશ કરવામાં આવ્યો. આમ, આથી સમગ્ર ભારતમાં માત્ર જુના કાઠીયાવાડ એટલે કે સૈારાષ્ટ્રમાં વસતા સિપાઈઓનો સમાવેશ અન્ય પછાત વર્ગ (ઓબીસી) માં કરવામાં આવેલ.

 

    પહેલી નવેમ્બર ૧૯૫૬ માં સૈારાષ્ટ્ર (દ્વિભાષી મુંબઈ) માં જોડાયું. દરમ્યાન પણ સૈારાષ્ટ્રના સિપાઈઓ અન્ય પછાત વર્ગની યાદીમાં ચાલુ રહયા. ત્યાર બાદ મુંબઈ રાજયનું વિભાજન પહેલી મે ૧૯૬૦ માં થતા ગુજરાત રાજયનો જન્મ થયો. ત્યારે ૧૯૬૦ થી ગુજરાત રાજયમાં જુના સૈારાષ્ટ્ર રાજયના સિપાઈ અન્ય પછાત વર્ગની યાદીમાં ચાલુ રહયા.

 

      ૧૯૭૨ માં ગુજરાત રાજય બક્ષીપંચની રચના કરી. જે પંચ ૧૯૭૬માં પોતાનો અહેવાલ રાજય સ૨કા૨ને સુપરત કર્યો. અને તેનો અમલ --૧૯૭૮ થી શરૂ થયો. (આજે પણ સિપાઈ જ્ઞાતિ અંગેની ખરાઈ કરતી વખતે રાજય સરકારને ૧૯૭૮ પહેલાના સિપાઈ તરીકેના આધાર પુરાવા ૨જુ ક૨વા પડે છે.)

 

    ગુજરાત રાજયની ઓબીસીની યાદીમાં ૬૮ નંબર પર, મંડલપંચની યાદીમાં ૬૮ નંબર પર અને કેન્દ્રની ઓબીસીની યાદીમાં ૬૫ નંબર સિપાઈ જ્ઞાતી રહેલી છે.

 

    સૈારાષ્ટ્રના સિપાઈઓ મુખ્યત્વે ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર, જામનગર અને જુનાગઢ જે જુના સૈારાષ્ટ્ર કાઠીયાવાડમાં ગોહિલવાડ, ઝાલાવાડ, હાલાર, સોરઠ તરીકે પણ ઓળખાતા વિસ્તારોમાં વસે છે. એક સમાન રીતરિવાજો, રહેણીકરણી, ભાષા, સંસ્કા, સંસ્કૃતિ, પહેરવેશ ઉપરાંત લગ્ન વહેવારથી એક પરિવાર સમાન ગાઢ રીતે સંકળાયેલા છે. સૈારાષ્ટ્રના ગમે તે સિપાઈ પરિવારમાં જઈએ તો તે પરિવાર સૈારાષ્ટ્રના અન્ય સિપાઈ પરીવાર સાથે એક યા બીજી પ્રકારના સગપણથી સંકળાયેલ જ હોય છે. આ પરિવાર ભાવના આજે પણ હૈયાત છે. જે મુળ સૈારાષ્ટ્રના સિપાઈઓની ઓળખ, અસ્મિતા, પહેચાન, આઈડેન્ટી છે.

 

સંકલન અને લેખન

જનાબ મર્હુમ હાજી અ. કાદર કે. પઠાણ

જામનગર

 

     સિપાહી સમાજની ઉન્નતી માટે સિપાહીઓ દ્વારા થયેલા પ્રયત્નો જોઈએ તો સન ઈ.. ૧૯૩૪-૩૫ માં ધોરાજીના ઈજજતબેગ દ્વારા સિપાહ ગર્જનામુખપત્ર શરૂ કરવામાં આવ્યુ હતું. જેમાં સિપાઈ જ્ઞાતિના લોકોની રહેણીકહેણી, શિક્ષણ, વિકાસ પર ખૂબ જ પ્રકાશ પાડીને લેખો લખેલા છે. છેક આફ્રિકા સુધી સિપાઈ સમાજ પથરાયેલો છે તેના વિશેની માહિતી સિપાહ ગર્જનામાં છે. પરંતુ સમાજનો પૂરો સાથ ન મળતા સિપાહ ગર્જનામુખપત્ર માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં જ બંધ થયું. વર્ષ ૧૯૫૦ થી ૬૦ ના દાયકામાં ફરી એક વખત બોમ્બેના એડવોકેટ (મૂળ પાલીતાણાના) જનાબ મહંમદભાઈ ચૌહાણ તથા રાજકોટના ઈસ્માઈલભાઈ ખાનભાઈ સોલંકી તથા અન્ય સિપાહી ભાઈઓએ સાથે મળીને સિપાઈ સમાજના સંગઠન માટે સતત બે માસ જેટલા સમય સુધી ગાડા માં નાના-મોટા ગામડા તથા શહેરોનો પ્રવાસ કરી સૌરાષ્ટ્રના સિપાહી ભાઈઓનો સંપર્ક કરી સને ૧૯૫૬ માં રાજકોટ માં સિપાઈ સમાજનું એક ભવ્ય સંમેલન ભરેલુ અને અખિલ સૈારાષ્ટ્ર સિપાઈ સમાજની સ્થાપના કરી. મર્હુમ જનાબ ર્ઈસ્માઈલભાઈ ખાનભાઈ સોલંકીને સૈારાષ્ટ્ર સિપાઈ સમાજના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. આ જ સમય દ૨મિયાન જ (૧૯૫૬-૫૮ માં) “નવજવાનનામનું સિપાઈ સમાજનું ન્યુઝપેપર મર્હુમ જનાબ મહંમદભાઈ ચૌહાણના નેતૃત્વમાં પ્રસિદ્ધ કરવામાં આવતું હતું. પરંતુ આ સંગઠન તથા ન્યુઝપેપર લાંબો સમય ચાલુ ન રહેતા બંધ થયા હતા.

 

      ૧૯૭૦-૮૦ ના દાયકામાં બક્ષીપંચ દ્વારા પછાત વર્ગ માટેનો સર્વે ચાલતો હતો. આ દરમિયાન જ મર્હુમ જનાબ મહંમદભાઈ ચૌહાણના માર્ગદર્શનમાં સિપાઈ જ્ઞાતિના મર્હુમ જનાબ હાજી ભીખુભાઈ મકવાણા, મર્હુમ હાજી એ. કે. પઠાણ સાહેબ, જનાબ ફાજલભાઈ ચૌહાણ સહિત અનેક સિપાઈ ભાઈઓએ સાથે મળી, ફરી સૈારાષ્ટ્રના ગામેગામના સિપાઈ લોકોનો સંપર્ક કરી સિપાહી સમાજને એકત્રિત કર્યો. અને અખિલ ગુજરાત સિપાઈ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. વર્ષ ૧૯૮૦ ની સાલમાં સિપાહી સમાજમાસિક મુખપત્ર શરૂ કરવામાં આવ્યું. જે સતત ૨૨ વર્ષ સુધી ચાલુ ૨હયું. આ જ સમય દરમિયાન સિપાઈ સમાજનાં અલગ-અલગ ગામોમાં સંમેલનો, સમુહલગ્નો, શૈક્ષણિક કાર્યક્રમો, સન્માન સમારોહ વગેરે કાર્યક્રમો યોજાયા.

 

     વર્ષ ૨૦૦૫-૦૬ માં સિપાહી પયગામમાસિક ન્યુઝપેપર શરૂ થયું. જે બે વર્ષ સતત ચાલુ રહયુ હતું.

 

      આામ સિપાઈ સમાજના સમયાંતરે દૂધમાં આવતા ઉભરાની જેમ ફટાફટ સંગઠીત થાય છે, પ્રવૃતિમય બને છે અને થોડા સમયમાં ફરી વિખરાય જાય છે.

 

    વર્ષ ૨૦૧૫માં ફરી એક વખત સિપાઈ ભાઈઓએ એકત્રિત થઈને "સિપાહી યંગ ગ્રુપ" ની રચના કરી અને તેમાંથી વર્ષ ૨૦૧૬ માં સિપાહી સમાજ ટ્રસ્ટ૨જીસ્ટર સંસ્થાની સ્થાપના કરી. હાલમાં સિપાઈ સમાજ માટે ગુજરાતમાં સૈાથી વધુ પ્રવૃતિ કરતી સંસ્થા સિપાઈ સમાજ ટ્રસ્ટ છે. આ સંસ્થા દ્વારા હાલમાં સિપાહી સમાજમાસિક ન્યુઝપેપર નું સંચાલન, સિપાઈ સમાજના ધો.૧૦ કે તેથી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જકાત સ્કોલરશીપની વ્યવસ્થા, જીવનસાથી પરિચય સમારોહ અને મેરેજ બ્યુરો નું સંચાલનવિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન માટે કારકિર્દી માર્ગદર્શન પોગ્રામનું વિવિધ ગામમાં આયોજન, હોશિયાર વિધાર્થીઓ તથા સરકારી નોકરી પ્રાપ્ત નવયુવાનો માટે સંસ્થા દ્વારા સન્માન સમારોહનું આયોજન, મેડીકલ કેમ્પો, બ્લડ ડોનેશન કેમ્પ વગેરે નાની મોટી અનેક પ્રવૃતિઓ કરવામાં આવે છે.

 

    ગુજરાતમાં સિપાઈ જ્ઞાતિની ૧૦૦ થી વધુ જમાતો આવેલી છે. તેમાંની ઘણી જમાતો આઝાદી પહેલાની રજીસ્ટ્રેશન થયેલી છે. ઘણી બધી જમાતોનો ૮૦ વર્ષથી વધુ વર્ષનો લેખિત ઈતિહાસ પણ ધરાવે છે. રાજાશાહી વખતના લખાણો, જુની ફાઈલો, ઠરાવો વગેરે આઝાદી પહેલાના રેકોર્ડ ધરાવે છે. ઘણી બધી જમાતોના પોતાના જમાતખાના છે. ઘણી ૨જીસ્ટર જમાતો દરગાહો, મસ્જીદો, કબ્રસ્તાનો તથા રાજાશાહી વખતમાં મળેલી જમીનનો વહીવટ કરે છે.